Skip to main content

kuberbhandarikarnaliofficial

જય કુબેર

શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો.

દયા કરી દર્શન શિવ આપો…

તમે ભકતોનાં દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો.

દયા કરી દર્શન શિવ આપો…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો.

દયા કરી દર્શન શિવ આપો…

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે,
સારા જગતમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો.

દયા કરી દર્શન શિવ આપો…

હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો.

દયા કરી દર્શન શિવ આપો…

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપે દેખું.
મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો.

દયા કરી દર્શન શિવ આપો…

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો,
ટાળો માન મદા ગાળી ગર્વ, સદા ભક્તિ આપો.

દયા કરી દર્શન શિવ આપો…

અંગે શોભે રૂદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો.

દયા કરી દર્શન શિવ આપો…