દક્ષિણમાં અલબેલો દેશ, દુઃખ મળે નહીં ત્યાં લવલેશ.
સાગર તેની ચારે પાસ, ઉછળી ઉછળી રમતો રાસ.
લંકા તેનું રૂડું નામ, વૈભવનું તે મોટું ધામ.
શોભા તેની અપરંપાર, વર્ણવતા ના આવે પાર.
લૂંબી ઝૂંબી લહેરાતા, ફૂલ ફૂલડે શા મદમાતાં !
વિરાટ વૃક્ષો ઠેર ઠેર, શોભે વનરાજી બહુ પેર.
કલ કલ કરતાં ઝરણાં વહે, પ્રાણીઓની પીડા દહે.
પાકે શ્રીફળનો બહુ પાક, સઘળે સૌનું મળે અમાપ.
સુવર્ણ લંકા કહેવાતી, તેની જગમાં બહુ ખ્યાતિ.
હરિએ એવી છૂટે હાથ, સમૃદ્ધિ ત્યાં વેરી અફાટ.
વિશ્રવા કેરો મોટો સુત, કુબેર નામે ત્યાંનો ભૂપ.
રાજ કરતો રૂડી રીત, પ્રજા ઉપર બહુ રાખે પ્રીત.
કુંભકર્ણને વિભિષણ વળી, ત્રીજો બાંધવ રાવણ બળી.
કુબેરનું સૌ રાખે માન, રાવણને ના ભાવે ધાન.
મનમાં તે નિત બળતો ખૂબ, તેને થાવું લંકા ભૂપ.
એક દિવસ ખૂબ અકળાયો, ધૂંવાપૂંવા થઈ ઘાયો.
પુલત્સ્ય દાદાજીની પાસ, દાદા પૂરો મારી આશ.
નાનો તેમાં શો મુજ દોષ, ખૂબ ચડે છે હૈયે રોષ.
મોટો કુબેર રાજા થાય, નાનેરા શું ગરબા ગાય ?
આવો હડહડતો અન્યાય, દૂર કરો હું લાગુ પાંય.
દાદા બોલ્યા નથી અન્યાય, મોટો પુત્ર જ રાજા થાય.
રાવણને ખૂબ રીસ ચડી, વનવાટ લીધી તે જ ઘડી.
તપ કીધું ત્યાં વનમાં જઈ, શિવજી બોલ્યા પ્રસન્ન થઈ.
માંગ માંગ હું આપું આજ, ત્રિલોકનું જો માંગે રાજ.
બળ દો એવું મુજને નાથ, રાવણ બોલ્યો જોડી હાથ.
મુંજથી કાંપે બધુ ત્રિલોક, સંદૈવ સર્વે સઘળા લોક.
કહી તથાસ્તુ કૈલાસ જાય, ભોળા ધ્યાને બેસી જાય.
બહેકયો રાવણ વર પામી, બન્યો દુરાચારી કામી.
ચડાઈ લંકા પર કીધી, ગાદી પોતે લઈ લીધી.
કુબેર નાઠો મુઠ વાળી, જોયું નહીં પાછું ભાળી.
દૈવા તટ કરનાળી ગામ, કીધું તપ ત્યાં રાખી હામ.
બોલ્યા શિવજી થઈ પ્રસન્ન, લે તું માગ હોય જે મન.
ભાવ વેશે ભૂલ્યો ભાન, મુખથી તે ના બોલ્યો વાણ.
ભોળાનાથે સ્વયં કીધું, દળદર તેનું હરી લીધું.
સ્વર્ગનું સઘળું ધન દીધું, પદ અતિ ઉત્તમ દઈ દીધું.
દેવોનો ખજાનચી થયો, સુણીને રાવણ બળી ગયો.
પુષ્પક વિમાન હરી લીધું. અભિમાન ઉરે ઘણું કીધું.
કુબેર શંકર શરણે જાય , રાવણ મારે પૂંઠે થાય,
મને બચાવો ભોળાનાથ, પકડો મારો હેતે હાથ.
શિવ કહે નહીં મારું કામ, બંને મારા ભક્ત સમાન.
જો તું અંબા શરણે જાય, રાવણ નિશ્ર્ચય ભાગી જાય.
આરાધ્યા અંબાજી માતા, પ્રગટ્યા રેવા તટે સાક્ષાત.
રક્ષણ રાવણ થકી કીધું, કષ્ટ કુબેરનું હરી લીધું.
કુબેર બોલ્યા વાણ, આપ જ મારા તારણહાર.
મારા નામથી થાય પ્રગટ, આપ પૂજાઓ રેવા તટ.
સ્વયં પ્રગટ્યા ભોળાનાથ, કુબેર માથે મૂક્યો હાથ.
કુબેરેશ્વરના નામે આજ, પૂજે સઘળો ભકત સમાજ.
ભકતોની રાખે લાજ, સૌના મનની પૂરે આશ.
નિર્ધન હોય તે પામે ધન, વંધ્યા પામતી પુત્ર રત્ન.
અવિચળ રાખી ઉરમાં ટેક, ભજે કુબેર જે જન પ્રત્યેક.
મુનિ સુખ પામે પારાવાર, સત્વરે ખુલતાં મુક્તિ દ્વાર.
લખચોરાસી ફેરા ટળે, સત્ય સનાતન શિવલોક મળે.